જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

નવરાત્રી અને “સુવર જ્વર” !!!

 

નવરાત્રી આવી રહી છે, ગુજરાતમાં લોકોનાં અંગેઅંગમાં ગરબા-દાંડીયાનો રોમાંચ જાગવા માંડ્યો હશે. દોઢીયા-પોપટીયું વગેરેનાં ક્લાસીસ પૂરજોશમાં ધમધમવા માંડ્યા હશે. એવાં મમ્મી-પપ્પાઓ કે જેમની દીકરી(ઓ)ને નવરાત્રીનો અપાર શોખ હશે એમનું બ્લડ-પ્રેશર અનેકાનેક ભિન્ન-વિભિન્ન પ્રકારના “ટેન્શન” થવાનાં લીધે વધવાનું શરુ થઈ ગયું હશે…!!

પણ આ વર્ષે એક ખાસ પ્રકારનું ટેન્શન પણ નવરાત્રીનો આનંદ લેવાં માટે આવી પહોંચ્યું છે કે જે ખાસ તો આ અવસરને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં શોખીન દરેકને આવવું જોઈએ. અને તે એ કે આપણે કોઈક પણ એની હડફેટે ના ચઢી જઈએ જેનું નામ છે, “સ્વાઇન ફ્લુ“…

આ થોડો ભયંકર (નહિ કે મહા ભયંકર, જેવો મિડીયાએ ચીતર્યો છે) પ્રકારનો “જ્વર”, જેનું નામ મને આ પોસ્ટ લખવાં બેઠો ત્યારે જ સુઝ્યું, “સુવર જ્વર”, એ આપણને જેટલાં પણ રસ્તે ચોંટી શકે એમ છે તેમાંથી સૌથી સામાન્ય એવો રસ્તો છે, “ટોળે” મળવું. માણસજાતને એમ પણ આ “ટોળે” મળવાનું કામ કરવાનું જરા વધુ પડતું ગમે છે, અને એ વાત હવે આવા બધાં જનાવરોને થતાં રોગોને પણ ખબર પડી ગઈ છે. અને એટલે જ આપણે જરા વધુ સાવધાની રાખવી જરૂરી થઈ પડી હોય એવું વર્તાઈ રહ્યું છે.

હા, શોખીન લોકો મારી વાતને કાપી નાંખી શકે છે, કે તારા જેવાં બોરીંગ અને કોઈ પણ દિવસ નહિ નાચેલાં માણસને તો આવું જ સૂઝશે. પણ આ તો શું કે મને વિચાર આવ્યો કે જો આ વર્ષે આ વસ્તુને ટાળવામાં આવે તો પણ આપણી નૃત્ય-કળામાં આવતા બે-ચાર વર્ષો સુધી મહા-ભયંકરપણે રીસેશન આવી જાય એવી શક્યતાઓ નહિવત છે. જો કે “અંબા”જી ભક્તોનું રક્ષણ કરશે એવું જે પણ થોડાંઘણાં ધાર્મિક અને શ્રદ્ધાળુ લોકો માનતાં હશે તેમને મારી વાત પર દુર્લક્ષ સેવવાની છુટ છે. હવે, આ “થોડાંઘણાં” એવું એટલે લખ્યું કે હું નથી માનતો કે નવરાત્રીમાં નાચવા જતાં ૨૦% લોકો પણ “માઁ અંબે” માટે જતાં હશે !!!

હવે પરિસ્થિતી પર વધુ કટાક્ષ કરે રાખવાને બદલે મુદ્દાની વાત પર આવું તો એટલું જ કે, આ વખતે જો નવરાત્રી સમારોહને ટાળવામાં આવે તો કેવું ??

Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , , ,

“સરદાર” ભારતનાં કે પછી ગુજરાતનાં ??


જશવંત સિંઘના પુસ્તકમાં “સરદાર” પટેલને અખંડ ભારતનાં ભાગલાં માટે જવાબદાર દર્શાવવા બદલ આપણાં સૌનાં માનીતા એવાં શ્રી મોદી સાહેબે એ પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો અને જે કારણોસર લગાવ્યો, કે ગુજરાતનાં સપુત “સરદાર” નું અપમાન થયું છે, તો મારે થોડાં સવાલ પૂછવા છે…

[૧]. જ્યારે વલ્લભભાઈ પટેલ “સરદાર” બન્યાં, અને “લોખંડી પુરુષ” બન્યાં ત્યારે શું એ “ગુજરાતી” હતાં ??

[૨]. ભારતનાં ભાગલાં થયાં ત્યારે શું ગુજરાત અસ્તિત્વમાં હતું ??

[૩]. એ પુસ્તકમાં જે મુહમ્મદ અલી ઝીણાનું ચિત્રણ એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું છે, તો શું કોઈને એ વાત સ્વીકારવામાં મુશ્કેલી થાય છે, કે એ જ મુહમ્મદ અલી ઝીણાનાં પિતા પોતે ગોંડલ પાસેનાં કોઈ ગામનાં હતાં અને “ગુજરાતી” હતાં અને એમની માતૃભાષા પણ “ગુજરાતી” જ હતી ??

[૪]. જો પ્રશ્ન ક્રમાંક ૧ અને ૨ નાં જવાબ “હા” માં હોય તો પ્રશ્ન ક્રમાંક ૩ નો જવાબ શું હશે ??

[૫]. કોઈ મુખ્યમંત્રી જે રાજકીય પક્ષનાં હોય તે પક્ષ જો કોઈની વિરુદ્ધ કાંઈ પગલાં લે, તો શું એ મુખ્યમંત્રીએ પણ જબરદસ્તી એવું જ વલણ રાખવું ??

[૬]. શું મુખ્યમંત્રીનું પોતાનું સ્વતંત્ર મંતવ્ય ના હોઈ શકે??

[૭]. શું એણે પોતે જે રાજકીય પક્ષના હોય તેનાં આટલી હદે ગુલામ બનવું જરૂરી છે ??

[૮]. શું રાજનીતીમાં “ઘુસ્યાં” એટલે દરેકેદરેક બાબતમાં “આંગળી” કરવી એ ફરજીયાત છે ??

[૯]. જે “સરદાર” ને અખંડ ભારતના ઘડવૈયાં કહેવામાં આવે છે, એનાં નામે આ પ્રકારની “પ્રદેશવાદ”ની રાજનીતી “રમવી” તે એ જ “સરદાર”નું અપમાન નથી ??

[૧૦]. સરદાર પટેલે જે મહેનતથી આટલાં બધાં અલગ અલગ પ્રાંતોને ભેગાં કરીને એક ભારત બનાવ્યું, (ભલે, ૨ ભાગ થયાં પછી) પણ આજે આવાં “પ્રદેશવાદ” પોષવામાં, એનાં આટઆટલાં ભાગલાંઓ થઈ રહ્યાં છે, એ શું વ્યાજબી છે ??

[૧૧]. આજે કોઈ પણ “મંત્રી”ઓમાં કોઈને “નેતા” દેખાય છે ?? મને તો માત્ર ને માત્ર “પોલિટીશયન” જ દેખાય છે, નેતા તો શોધ્યો નથી જડી રહ્યો…





Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , ,

દેશ-ભક્તિની વેલીડીટી અને રીચાર્જ


કમ સે કમ મને યાદ છે ત્યાં સુધી મેં જેટલા પણ સ્વાતંત્ર્ય કે પ્રજાસત્તાક દિવસોની ઉજવણી જોઇ છે અને યાદ છે એ બધામાં એક સામ્યતા દેખાઈ.
અને તે એ કે આખો દિવસ રેડીયો, ટીવી, રેસ્ટોરન્ટ્સ, અને દરેક સાર્વજનિક જગ્યાઓ પર ફિલ્મોનાં દેશભક્તિથી ભરેલાં ગીતો વાગતાં હોય…
બસ, એના સિવાય અન્ય કોઈ રીત મને આ ઊજવણીની દેખાઈ નથી… શાળાઓ, પોલીસ સ્ટેશન, કે કોઈ સોસાયટીમાં ઝંડો ફરકાવવાની પ્રવૃત્તિને બાકાત કરતાં, આપણી અંદર જેવી લાગણીઓ અન્ય તહેવારો દરમિયાન થતી હોય છે એવી થતી હોય એવું યાદ નથી…

અને આ બે દિવસો જ એવાં છે કે જ્યારે એવું દેખાય કે જાણે વાતાવરણમાં દેશભક્તિ રીચાર્જ થઈ ગઈ છે… અને મજાની વાત એ કે એ રીચાર્જની વેલીડીટી ફક્ત ૨૪ કલાક કે કદાચ એથી પણ ઓછી !!!

“દેખાય છે” એવું એટલાં માટે લખ્યું કે આપણી અંદર એ દેશભક્તિ કેટલી પ્રબળ છે એ તો કદાચ આપણને પણ નથી ખબર… આપણને પણ માત્ર આ બે દિવસો દરમિયાનમાં જ રાષ્ટ્રધ્વજ યાદ આવતો હોય છે… અને એ જ દિવસે સાંજથી એ બધા કાગળ રૂપે જેનો  મજાક કરવામાં આવે એવી દેશભક્તિ રસ્તા પર અને ગટરોમાં વિસર્જિત થયેલી જોવા મળે છે…
આવનારી પેઢી કદાચ રાષ્ટ્રધ્વજની ડીગ્નીટી શું છે એ સમજી પણ નહી શકશે… હા, પરદેશમાં વસતાં ભારતીયો કદાચ આ દેશભક્તિની માવજત વધુ સારી રીતે કરી શક્યા હોય એવું વર્તાય છે ઘણી વખત…

આજકાલ ભારતનું મિડિયા – પ્રિન્ટ અને ટેલિવિઝન બંને – એટલી હદે વિકૃત થઈ ગયું છે કે એનાં વિશે કાંઈપણ કહેવાનું કે વિચારવાનું મન જ નથી થતું… આખાં વર્ષ દરમિયાન દેશમાં બનતી માત્ર અને માત્ર નકારાત્મક ઘટનાઓને ચોળીને ચીકણી કરવા સિવાય કશું કરતાં નથી અને ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના દિવસોએ જાણે શહીદ થવાની કતારમાં એ જ લોકો નંબર લગાવીને ઊભા હોય એટલી દેશભક્તિ “ઓકવા” નીકળી પડે છે…

હાલમાં એ લોકો જ્યારે ગુજરાતમાં પ્રવર્તમાન દારુબંધી પર ટાંપ લગાવીને બેઠા છે, ત્યારે ૨જી ઓક્ટોબરના દિવસે ફરીથી એ જ વિષયને ઉછાળવા મંડી પડશે…!!!

દેશભક્તિનું મારું રીચાર્જ પૂરું થાય એ પહેલાં આ પોસ્ટને પૂરી કરી દઉં નહિતર અધૂરી રહી જશે … !!!

Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , ,

ફ્રોમ હૅલ, વીથ લવ…

તાજેતરમાં બનેલી આતંકવાદી ઘટનાઓએ વિચાર જન્માવ્યો કે ખરેખર નર્ક ક્યાં છે? ઉપર કશેક કાંઈ એવી જગ્યા છે જ્યાં આપણા અયોગ્ય કર્મોનો હિસાબ આપવામાં આવે છે?? આ વિકલ્પ માટે અંદરથી તરત જ "ના" આવી… તો ક્યાં છે ખરેખર એ નર્ક ?? કદાચ એ એવી પરીસ્થિતી છે જે આપણે મનુષ્યો જ સર્જીએ છીએ .. અહિં જ … આપણી ચોતરફ અને આપણી અંદર જ … આપણા સ્વાર્થ, લોભ, મારું-મારું કરવાની વૃત્તિ… અનહદ… મારા પૈસા, મારી મિલકત, મારો દેશ, મારો ધર્મ, મારું….. ખબર નહિ કંઈ કેટલુંય … આવું ને આવું કરતાં કરતાં આજે ક્યાં આવી ગઈ છે માણસજાત… આ એક સ્વાર્થના પગલે કેટલાંય દુષણો આજે આપણી સામે જન્મ્યા અને પોષાઈ રહ્યા છે !!! આનો અંત ક્યાં છે એ તો ઈશ્વર જ જાણે… !!! પણ એક વાતની ખાતરી થઈ રહી છે કે ક્યાં તો આવનારા અંતની અથવા આવનારી ક્રાંતિ, એ બે માંથી એકની તો શરુઆત થઈ ચૂકી છે… જોવાનું એ રહે છે કે આ બંનેમાંથી પહેલું શું આવે !!!



નડીયાદમાં ગ્રેજ્યુએશન કરતાં હતા એ વખતે એક અંગ્રેજી આલ્બમ આવેલું, "Affirmation"… કે કદાચ એનાં પણ એકાદ-બે વર્ષો પહેલાં… એનું Title Track – "Affirmation" ખુબ ગમેલું… મુંબઈમાં થયેલ હુમલા અને એના પહેલાં બનેલી કંઈકેટલીય આવી જ ઘટનાઓ કે જેના માટે remedial પગલાં હજી સુધી લેવાયા નથી (કે લેવાયા હોય એવું લાગતું નથી, જો લેવાયા હોય તો), એ બધાએ ફરી એ ગીત યાદ અપાવી દીધું… તો એ ગીતના શબ્દો શોધીને ફરી વાંચ્યા… કદાચ ખુબ જ બિન-અસરકારક કે તદ્દન જ નબળું લાગે પણ ઉકેલરૂપે એક પગલું, ખુબ જ વ્યક્તિગત ધોરણે લઈ શકાય એવું, એ કે આપણા સ્વભાવના ઊંડામાં ઊંડા ખુણા સુધી ઉતરી ગયેલું આ સ્વાર્થ અને ધૃણાનું વિષ આપણે ઓગાળી નાંખીએ…



આ ગીત માં કદાચ ખુબ જ જનરલાઈઝ્ડ વાતો છે પણ ક્યાંક તો આપણી સમસ્યાઓનો ઉકેલ છે એવું લાગે છે…


I believe the sun should never set upon an argument
I believe we place our happiness in other people’s hands
I believe that junk food tastes so good because it’s bad for you
I believe your parents did the best job they knew how to do
I believe that beauty magazines promote low self esteem
I believe I’m loved when I’m completely by myself alone



I believe in Karma what you give is what you get returned
I believe you can’t appreciate real love until you’ve been burned
I believe the grass is no more greener on the other side
I believe you don’t know what you’ve got until you say goodbye



I believe you can’t control or choose your sexuality
I believe that trust is more important than monogamy
I believe your most attractive features are your heart and soul
I believe that family is worth more than money or gold



I believe the struggle for financial freedom is unfair
I believe the only ones who disagree are millionaires



I believe forgiveness is the key to your unhappiness
I believe that wedded bliss negates the need to be undressed
I believe that God does not endorse TV evangelists
I believe in love surviving death into eternity




મને આવડે એવો ભાવાનુવાદ કરી રહ્યો છું…


હું માનું છું કે,
આપણા દિવસનો અંત કોઇ પણ દલીલથી મન ખાટું કરીને ન આવવો જોઇએ.
આપણી ખુશી અને આનંદ બાહ્ય પરીબળો પર આધારીત ન હોવી જોઇએ.
જંકફૂડ એટલા માટે ભાવે છે કે એ હાનિકારક છે.(“જંકફૂડ” એક રૂપક તરીકે દેખાઈ રહ્યું છે.)
આપણા માતા-પિતાએ આપણને ઉછેરવાનું એમને આવડતું સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
બ્યુટી મેગેઝીન્સ લઘુતાગ્રંથી જન્માવે છે.
જ્યારે હું ફક્ત મારી પોતાની સાથે હોઉં છું ત્યારે સૌથી વધુ પ્રેમ પામું છું (કદાચ હું ઈશ્વરનું સાંનિધ્ય અનુભવું છું)




હું માનું છું કે,
આપણે જે આપીએ છીએ એ જ આપણને અંતે મળે છે.
જ્યાં સુધી આપણે પોતે પ્રેમમાં નથી સળગતા, ત્યાં સુધી એને સમજી નથી શકતાં.
મને અન્ય વ્યક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા નથી જન્મતી.
જ્યાં સુધી જુદા ન પડીએ વ્યક્તિ/સમયની કિંમત નથી સમજાતી.




હું માનું છું કે,
આપણે સ્ત્રી-પુરુષ બંનેને આપણા મનના ઊંડાણમાં સમાન દરજ્જો આપીએ એ જરૂરી છે.
પતિ-પત્ની વચ્ચે “વફાદારી” હોવા સાથે વિશ્વાસ હોવો વધુ જરૂરી છે.
મનુષ્યની સૌથી આકર્ષક લાક્ષણિકતાઓ એની આત્મા અને એનું દિલ છે, નહિ કે એનો બાહ્ય દેખાવ.
કુટુંબ (બહોળા સંદર્ભમાં) ધન કે સોના કરતાંય વધુ મહત્વનું છે.




હું માનું છું કે,
આર્થિક સ્વતંત્રતા માટે થઈ રહેલો સંઘર્ષ અને એની રીતો તદ્દન અન્યાયી અને અવ્યાજબી છે.
અને આને નકારવાવાળા બધા વ્યક્તિઓ નક્કી ધનવાનો જ હશે.




હું માનું છું કે,
બધી સમસ્યાઓ અને દુ:ખોનો ઉકેલ ક્ષમા છે.
એકબીજાના સાંનિધ્યમાં હોવાનો શુદ્ધ આનંદ કહેવાતા શારિરીક આનંદને વ્યર્થ સાબિત કરે છે.
સંચાર માધ્યમોએ ઊભા કરેલા દુષણો ઈશ્વરને ક્યારેય પસંદ નહિ આવે.
પ્રેમથી મૃત્યુથી જન્મતી જુદાઈ શાશ્વત નિકટતામાં ફેરવાઈ જાય છે.



Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , , , , , , , ,

શું “કામ” “ફરજ” ??


ગણિતના જાણકારોને કદાચ “<=>” ચિહ્ન જાણીતું હશે.


કામ(Work) <=> ફરજ(Duty), ગણિતનું આ ચિહ્ન એવું કહે છે કે “કામ અને ફરજ સમાન છે”.


શનિવારે મોડી સાંજે હું અને મારો મિત્ર(આ નામનું એક સુંદર મુવી પણ છે.) હૈદરાબાદ સેન્ટ્રલ મૉલમાં કંટાળો દુર કરવાના ઈરાદે ફરવા ગયા. કારણ કે મહિનાનું છેલ્લું અઠવાડીયું અને એના પ્રતાપે થયેલી ખીસાની (અવ)દશા, એ બંને હકીકતમાં અમને મૉલમાં બીજા કોઇ ઈરાદે જવા દે એ વાતમાં માલ નહોતો, ગમે તેટલી ઈચ્છા હોય તે છતાં !! :)


હા, તો ત્યાં મારો એ મિત્ર ડિસેમ્બરમાં એના લગ્ન માટે કરવાની ખરીદી ધ્યાનમાં રાખી ને શુઝ સેક્શનમાં જઈ ચઢ્યો. અને એને એક શુઝ ગમ્યાંયે ખરા. હવે એણે જે પીસ ડિસ્પ્લે માટે મૂક્યો હતો તે પહેરી જોયો પણ માપ કરતા જરા મોટો હોવાથી સેલ્સબોયને બોલાવી યોગ્ય માપ લાવવા કહ્યું.


હવે શરુ થાય છે આ પોસ્ટને જન્મ આપનારો ઘટનાક્રમ. મેં એને કહ્યું કે તું અત્યારે તો ખરીદીશ નહિ તો સેલ્સબોય પાસે ખોટી કસરત ના કરાવીશ. કારણ કે સામાન્ય સંજોગોમાં આ આખી ખેતી(!!!) કોઈ ત્યારે જ કરે અને કરાવે જ્યારે સાચે જ ખરીદી લેવાનો મૂડ હોય, રીયલી સામાન્ય સંજોગોમાં જ. હવે તું જોયા પછી પણ જો એમ કહીશ કે નથી લેવા તો એ ભાઈ અત્યારે મોડી સાંજના સમયે થતી આવી મગજમારીથી ગરમ થશે જ. બોલશે કાંઈ જ નહિ પણ ખોટી માથાકુટ કરાવવા માટે અંદરથી તો ગાળ જ દેશે. તો દોસ્ત કહે કે એવું કશું નહી. ચાલે બધું. અને મેં પણ ત્યારે કશું કહ્યું નહિ.


એટલામાં પેલા ભાઈ માપની જોડી લઈને આવી ગયા. મિત્રે પહેરીને જોયું. અમારી વાતો થઈ કે સરસ છે, લઈ લેવા જેવા છે ને એવું બધું. હવે સ્વાભાવિકપણે પેલા સેલ્સબોયે કહ્યું  કે “સર, પેક જેસી કદા(તેલુગુમાં) ?? પેક કર દું ના?” … તો મિત્રે પણ સ્વાભાવિકપણે કહ્યું કે “હમ તો સિર્ફ દેખ હી રહે થે.”  :) અને પેલા ભાઈના ચહેરા પરના હાવભાવોએ પણ “સ્વાભાવિકપણા”ની શ્રેણી હેઠળ પોતાનું રૂપ જાહેર કર્યું… !! અમે બંનેએ એ બરાબર notice કર્યું.


અને અમે ત્યાંથી આગળ ચાલી નિકળ્યા. ત્યારે મેં એને કહ્યું કે મેં તને પહેલા જ કહ્યું હતું ને કે એ ભાઈ ગરમ થશે. તો એણે કહ્યું કે “એ તો એની ડ્યુટી છે.” મેં કહ્યું કે એ એનું કામ છે, નહિ કે ડ્યુટી કે ફરજ. અને ત્યાર પછી અમારી વચ્ચે દલીલો થઈ. તો એ કહે કે બંને એક જ કહેવાય. તું સાબિત કરી બતાવ એ બંને વચ્ચે નો ફરક… :)


તો મેં એને કહ્યું કે તું રાત્રે ૩ વાગે તારા પપ્પા કે મમ્મીને માટે ડોક્ટરના ઘરે દોડે એ ફરજ હેઠળ કરે. અને ઓફીસમાં જે કરે એ કામ કહેવાય. શુક્રવારે સાંજે ૬-૩૦ એ તને જો તારો PM ૩ કલાક જેટલું કામ આપે તો તું સ્વાભાવિકપણે (ફરી પાછું આ જ “પણું” !!??) પહેલાં તો ના જ પાડે અને પછી જો એ સાહેબ કહે કે, ભાઈ “It’s damned urgent, we need to do it today itself.” અને તારે મને-કમને કરવું જ પડે તો તું દુનિયાભરની ગાળો દઈને એ કામ કરે. હવે, તું સોમવારે ઓફીસ આવે અને તને ખબર પડે કે શુક્રવારે ૩ કલાક માથકુટ કરીને હેરાન થઈને કરેલું કામ ગણતરીમાં લેવામાં નહિ આવે… જે વસ્તું માટે તે એ કામ કર્યું એને કાઢી નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે ક્લાયંટને લાગ્યું કે એને એની જરૂર નથી. તો તને કેવી લાગણી થાય ??? અને એવી જ લાગણી પેલું રાત્રે ૩ વાગે દોડતી વખતે ના આવે. હવે મારા મિત્રે તો વાત સ્વીકારી કે નહિ એ એટલું મહત્વનું નથી, પણ હું એ ચીજ વિચારતો રહ્યો.


તમને શું લાગે છે ??


શું સાચે જ “કામ” <=> “ફરજ” ?? કે પછી “કામ” <≠> “ફરજ” ??

Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , , , , , , , ,

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…

મિત્રોના મુકામો …

પાછલા ૨ દિવસોમાં વધુ વંચાઈ

Kunal Welcomes You all... :)

  • 13,981 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

નવી પાંખડીઓ તમારા ઈનબોક્ષમાં...

ઈમેઈલ દ્વારા "જીવન પુષ્પ..."ની નવી પાંખડીઓ વિશે જાણકારી મેળવવી આપને ગમશે ?
તો તમારું ઈમેઈલ ID અહીં આપો.

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"